beshankh.jpgbeshankh.jpgbeshankh.jpg eksundari.jpg

પરાંની ગાડી ખખડતી, ભભડતી, હસતી, રમતી આસાનીથી આગળ ધપતી જતી હતી. એના પહેલા વર્ગના એક ખાનામાં હું બિરાજ્યો હતો. મારી બેઠક ઉપર હું એકલો જ હતો. સામેની બેઠક ઉપર બે વ્યક્તિઓ હતી. બારી પાસેની વ્યક્તિ તે એક જાડોભોલ ગૃહસ્થ હતો. નરી ચરબીનો જાણે ડુંગર. મને થયું કે અણવિકસેલા દેશોની કાયમી અનાજની તંગીને માટે એ જ જવાબદાર હોવો જોઈએ. પોતાના જ ભારને લઈને એ લચકી પડ્યો હતો. બેઠકના છેડા આગળ એક નવયૌવના બિરાજમાન થયેલી હતી. કવિ ન્હાનાલાલે એને ‘ગુલછડી સમોવડી સુંદર એક બાલિકા’ તરીકે ઓળખી આંખોથી પી લીધી હોત. શું એની બેસવાની છટા ! કવિ ન્હાનાલાલે પેલા માનવ ઢગને જોવાની પણ દરકાર ન કરી હોત.

મારા જમણા હાથે આપમેળે બારી નીચે ગોઠવાયેલી મારી છત્રીના હાથા ઉપર પોતાને ટેકવવાનો પ્રયત્ન કર્યો. એ ભોંઠો પડ્યો. મારી અજાયબીનો પાર ન રહ્યો. છત્રીવાળી જગ્યાએ મેં તાકી તાકી જોયું. છત્રી ત્યાં ન હતી ! મેં સામે નજર દોડાવી. અદ્દભુત ! જાડિયાની ડાબી બાજુએ બારીને સૌથી નીચે સળિયેથી મારી છત્રી લટકતી હતી અને ગાડીની ગતિ સાથે તાલ દેતી દેતી ડોલતી હતી ! એ ત્યાં ગઈ જ કેવી રીતે ? કે પછી નજર ચૂકવી નાસી જવું એ નારી જાતિનું વિશિષ્ટ લક્ષણ છે ? ભાગેડુ માલ પર પુન: મારી સત્તા જમાવતા મેં મારો હસ્ત પ્રલંબિત કર્યો.

‘એય !’ ભીમના પૌંડ્ર શંખ સમો પ્રચંડ ઘોષ દુંદાળા તરફથી આવ્યો અને એણે વીજળી વેગે છત્રી ઝડપી લઈ પોતાના બે ગોઠણ નીચે તેને જકડી લીધી.
‘હેં….હેં… ?’ હું થોથવાયો. મારો હાથ પાછો ખેંચાઈ ગયો.
‘મિસ્ટર, તમે શું માંડ્યું છે ?’ પેલાએ ફરી શંખનાદ કર્યો.
‘હું મારી છત્રી લેવા જતો હતો.’ મેં સમજાવ્યું. પરિસ્થિતિ વિકટ હતી. એનો પ્રતિકાર કરવાનાં મારાં સામર્થ્ય અને કૌશલ્ય વિષે મને શંકા હતી.
‘ક્યાં છે તમારી છત્રી ?’ સામેથી પ્રશ્ન આવ્યો.
‘એ રહી.’ મેં ઉત્તર આપ્યો.
‘ક્યાં ?’
‘તમારા ઢીંચણ વચ્ચે.’
‘તમારી છત્રી મારાં ઢીંચણ વચ્ચે કેવી રીતે હોઈ શકે ?’
‘મને પણ એ જ નવાઈ લાગે છે. એ છત્રી મારી જ છે. પ્રથમ એ અહીં મારી તરફ હતી. તમારી તરફ કઈ તરકીબથી સરકી ગઈ એ મારા મગજમાં ઊતરતું નથી. અને હવે તમે એનો કબજો લીધો છે !’
‘વાહ, બિરાદર !’ જાડિયાએ ટકોર કરી. ‘આ તમારી છત્રી છે એમ ? તમે મારા પર ચોરીનું આળ ચડાવો છો. તમે જાહેરમાં મને બદનામ કરો છો. તમારા પર હું બદનક્ષીનો દાવો માંડી શકું એનું તમને ભાન છે ?’

‘અરે ભાઈ,’ મેં શાંતિપૂર્વક કહ્યું, ‘તમે ચોર હોઈ શકો જ નહીં. ચોર કાંઈ આમ છડેચોક ચોરી કરે ? કદાચ તમે બેધ્યાનપણામાં એ મારી છત્રી ખસેડી લીધી હશે.’
‘તમે પણ કેવી ગર્દભને વિષમ જ્વર આવી જાય એવી વાત કરો છો ! મારી જિંદગીમાં હું કદાપિ એવા ભુલાવામાં પડ્યો નથી, પરંતુ તમારી જ કાંઈક ભૂલ થાય છે.’
‘પણ, મારા સાહેબ, મને સોએ સો ટકા ખાતરી છે કે એ છત્રી મારી છે.’
‘અને મને અસંખ્ય ટકા ખાતરી છે કે આ છત્રી મારી છે. હજી ગયે અઠવાડિયે જ ખરીદી છે.’
‘મેં ચાર દિવસ પહેલાં ખરીદી.’
‘સ્વપ્નમાં’ જાડિયાએ મજાક કરી.
‘સાચેસાચ’ મેં સાફ જણાવ્યું.
‘કોઈ બીજી છત્રી હશે.’
‘નહીં, એ જ.’
‘છટ્ !’ ટેકરો તડૂક્યો અને એણે છત્રી પર વધારે મજબૂત પકડ લીધી.

હું હતાશ થઈ ગયો. મેં સામે બેઠેલી ખૂબસૂરત છોકરી તરફ એક આર્જવયુક્ત દ્રષ્ટિ ફેંકી. તેના મોહક મુખમંડળ ઉપર એક રહસ્યમય સ્મિત ફરકતું હતું. આ કાંઈ મારી મદદ માટેની મૂક યાચનાનો યોગ્ય પ્રત્યુત્તર ન હતો. હું ગૂંચવાયો અને મૂંઝાયો. મને ભાસ થયો કે એ કામણગારી અમારી અથડામણનો આનંદ માણતી હતી. એના આછા હાસ્ય પાછળ ટીખળ હતું. અમારો સંઘર્ષ વધે અને દારુણ દ્વંદ્વયુદ્ધમાં પરિણમે એ જોવા એ ઉત્સુક હતી. પણ આ રૂપનો અંબાર હાજર હોય અને મારો શરમજનક પરાભવ થાય એ મને કેમ પાલવે ?
‘કુમારી, તમે પેલી છત્રી અહીં મારી પાસે મુકાયેલી જોઈ હતી ને ?’ મેં મહામહેનતે શબ્દોચ્ચાર કર્યો.
‘મને કાંઈ ખ્યાલ નથી.’ કામિનીએ મને કાપ્યો, અને ખડખડાટ હસી, એ શું કહી રહી હતી એ હું કળી ન શક્યો.
‘જોયું ?’ પેલો બોલ્યો, ‘આનો અર્થ એ જ કે આ છત્રી મારી છે.’
‘હરગીજ નહીં !’ મેં બૂમ પાડી.
‘બેશલાક !’
‘ના !’ મેં મારું નાડું પકડી રાખ્યું. ‘એ કન્યાને ખ્યાલ નથી કે જે છત્રી તમે હાલ તમારા ઘૂંટણ વચ્ચે ભીસી રહ્યા છો એ હજી હમણાં જ મારી પાસે હતી. મારી જાણ બહાર તમે એને તફડાવી લીધી. હવે મને ચોખ્ખું કહેવા દો કે તે વખતે આ બાળાની નજર ક્યાંય બીજે હતી અને એણે તમારી છૂપી હિલચાલ નીરખી નહીં.’ ‘લવારી બંધ કરો, મિસ્ટર !’ પાડો આરડી ઊઠ્યો, ‘આવો બેવકૂફ બકવાટ કરીને તમે ભયંકર જોખમ ખેડી રહ્યા છો.’
‘હું સાચો છું.’ મેં ગર્જના કરી.
‘તમે જૂઠા છો.’ પ્રતિઘોષ આવ્યો.
‘હું સત્ય કહું છું !’
‘તમે સત્યની હત્યા કરો છો !’
‘રજમાત્ર નહીં !’
‘હડાહડ જૂઠાણું !’ જાડિયાએ ચિત્કાર કર્યો. પછી મોહિની તરફ ફરી એણે પૂછ્યું : ‘કેમ બહેન, આ મહાશય તદ્દન જૂઠા નથી ?’
‘અવશ્ય છે.’

હું દંગ થઈ ગયો. અમાપ દુ:ખનો જીવલેણ આંચકો મને લાગ્યો. આવું લાલિત્ય અને આવી નિર્દયતા ! હું જૂઠો ?
‘શું તમારો ન્યાય છે, બહેની !’ પેલો ખીલ્યો. ‘ધન્ય છે તમને, મારી બહેનડી, તમે આ હકીકત પુરવાર કરી છે.’
‘ના…ના… મેં એવું કશું કર્યું નથી.’ બહેનબાએ ધડાકો કર્યો.
‘પણ તમે હમણાં જ કહ્યું ને કે એ ખોટો છે ! આ છત્રી એની છે એ મતલબની એની માન્યતા પોકળ છે ! એટલે એમ જ કે છત્રી મારી છે.’
‘ના, એમ નહીં.’ ચતુરાએ સનસનાટી ફેલાવી.
‘શું તમારો ન્યાય છે, બહેની !’ મેં હર્ષનાદ કર્યો.
‘જરા વિચાર કરો, બહેન’ હૃષ્ટપુષ્ટ ધ્વનિ આવ્યો, ‘આ છત્રી અમારા બેમાંથી એકની તો હોવી જ જોઈએ. હવે તમે જ બોલ્યાં કે એ પેલાની નથી. તો પછી એ મારી છે. તમે આવી સાદીસીધી વાત કેમ સમજતાં નથી ? છત્રી એની નહીં, મારી નહીં, તો કોની ?’
‘મારી’ બહેનડી બોલી.
‘ભલા ભગવાન !’ અમે એક સાથે આક્રંદ કરી રહ્યા.
‘હું સમજાવું.’ દેવાંગનાએ આગળ ચલાવ્યું. ‘હું આ ડબ્બામાં તમારા પહેલાં આવી. તમે બન્ને પ્રાધ્યાપકો લાગો છો.’
‘હું આદર્શ કૉલેજના અર્થશાસ્ત્રના ખાતાનો વડો છું.’ મહાકાય સગર્વ ગાજ્યો.
‘હું અપૂર્વ કૉલેજના અંગ્રેજી વિભાગનો ઉપરી છું.’ મેં કહ્યું.
‘અચ્છા.’ બહેનબા બોલ્યાં ‘એમ જ હોવું જોઈએ. હવે અહીં અંદર પેસતાંવેંત મેં આ મારી છત્રી પેલી બારી નીચે ટેકાવી, હું અહીં બેઠી, કારણ કે ત્યાં સામેથી ઠંડો પવન આવે છે. તમે બેઉ બીજે સ્ટેશનેથી ચડ્યા. બેમાંથી એકેની પાસે છત્રી નહોતી.’
‘એ કેમ બને ?’ જાડિયાએ પ્રશ્ન કર્યો.
‘પ્રાધ્યાપકો બેધ્યાન હોય ત્યારે આવું બને છે.’ રૂપાળીએ સ્પષ્ટ કર્યું ‘છત્રી જરા તપાસો તો ખરા, સ્ત્રીની છે. પુરુષની નથી.’

બાપ રે ! હવે મને ખાતરી થઈ કે એ છત્રી મારી ન હતી ! હાથીભાઈને પણ એવું જ ભાન થયું. એણે તે જ ક્ષણે છત્રી છોકરીને સોંપી દીધી.
‘આપણું મગજ પણ આપણી સાથે કેવી વિચિત્ર રમત રમે છે ?’ હું સમસમી ઊઠ્યો. ‘મેં મારી જિંદગીના સોગન ખાઈને કહ્યું હોત કે હું મારી નવી છત્રી અહીં લાગ્યો છું.’
‘મારું પણ એમ જ છે.’ પરાભવ પામેલાએ રુદન કર્યું. ‘બહેન, તમે પણ ઠીક અમને મૂર્ખા બનવા દીધા ! આખો વખત શી ઠાવકાઈ રાખી !’
‘મેં સંપૂર્ણ નાટકીય તાલીમ લીધી છે.’ સલૂણીએ છેલ્લું તીર ફેંક્યું. ‘મારો અભિનય સર્વત્ર વખણાય છે. ચાલો ત્યારે આવજો. આ મારું સ્ટેશન આવ્યું.’ ગાડી અટકી. સુંદરી અદ્રશ્ય થઈ ગઈ. ગાડી ચાલવા માંડી. અમે થૂલું ફાકતા રહ્યા. મારે સ્થાને હું ઊતર્યો. ઘેર ગયો.

‘છત્રી ક્યાં છે ?’ મને જોતાં જ પ્રેમાએ ચીસ પાડી.
‘કઈ છત્રી ?’ મેં ત્રાડ નાખી ને કહ્યું : ‘હું છત્રી લઈ ગયો જ નહોતો !’
‘અરે રામ ! તમને થયું છે શું ?’ પ્રેમા કલ્પાંત કરવા માંડી : ‘તમે જે બહાર લઈ ગયા તે મારી નવી છત્રી હતી ! હું તે વખતે નહાતી હતી અને પછી બચુએ કહ્યું કે તમે ખૂણામાંથી તમારી છત્રીને બદલે મારી છત્રી ઉપાડી રવાના થઈ ગયા ! લાવો મારી છત્રી !!’

 - મદનકુમાર મજમુદાર